સ્ટિંગ ઓપરેશનથી રાજસ્થાનના રાજકારણમાં ભૂકંપ! ભાજપ, કોંગ્રેસ અને અપક્ષના ધારાસભ્યો વિરુદ્ધ તપાસ | Rajasthan Sting Operation MLA Fund Scam Rewant Ram Danga Anita Jatav Ritu Banawat CM

સ્ટિંગ ઓપરેશનથી રાજસ્થાનના રાજકારણમાં ભૂકંપ! ભાજપ, કોંગ્રેસ અને અપક્ષના ધારાસભ્યો વિરુદ્ધ તપાસ | Rajasthan Sting Operation MLA Fund Scam Rewant Ram Danga Anita Jatav Ritu Banawat CM

Rajasthan Sting Operation : રાજસ્થાનમાં ત્રણ ધારાસભ્યોના સ્ટિંગ ઓપરેશનમાં મોટા કૌભાંડનો ખુલાસો થયો છે. ધારાસભ્યોએ પોતાના મત વિસ્તારના વિકાસ કામ માટે ફાળવવામાં આવતા ફંડમાં ‘કમિશનખોરી’ કરી કૌભાંડ આચર્યું છે. આ મામલે મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ તાત્કાલિક સમિતિ રચી કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. સરકારે ત્રણેય ધારાસભ્યોના ‘ધારાસભ્ય વિકાસ ભંડોળ ખાતા’ અટકાવી દીધા છે. મુખ્યમંત્રીએ ચાર સભ્યોની સમિતિ રચી છે અને તેમને 15 દિવસમાં રિપોર્ટ સોંપવા આદેશ આપ્યો છે.

ભાજપ-કોંગ્રેસ-અપક્ષ ધારાસભ્યની કમિશનખોરી

સ્ટિંગ ઓપરેશનમાં ખીંવસરના ભાજપ ધારાસભ્ય રેવતરામ ડાંગા (Rewant Ram Danga), હિંડોનના કોંગ્રેસ ધારાસભ્ય અનિતા જાટવ (Anita Jatav) અને અપક્ષ ધારાસભ્ય ડૉ. રીતુ બનાવત(Ritu Banawat)ના નામ સામે આવ્યા છે. આ ત્રણેય ધારાસભ્યોએ પોત-પોતાન મત વિસ્તારમાં ‘ધારાસભ્ય ભંડોળ’માંથી કામ અપાવવા માટે કમિશન માંગ્યું હતું. આ મામલો સામે આવતાં જ સરકારે સંબંધિત મત વિસ્તારોના ફંડ પર તાળું મારી દીધું છે.

આ પણ વાંચો : બિહારમાં પરાજય બાદ દક્ષિણના રાજ્યથી મળી ‘રાહત’, કોંગ્રેસ માટે ‘શુભ’ સાબિત થશે 2026?

આવી રીતે કરાયું સ્ટિંગ ઓપરેશન

સ્ટિંગ ઓપરેશનમાં દાવા મુજબ, ધારાસભ્યોએ 40 ટકા સુધીનું કમિશન માગ્યું હતું. એક વ્યક્તિ ડમી ફર્મનો પ્રોપરાઇટર બની ધારાસભ્યોનો સંપર્ક કર્યો હતો અને તે પોતે ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ સાથે સંબંધ ધરાવતો હોવાનું કહ્યું હતું. તેણે ‘ધારાસભ્ય ભંડોળ’ શાળામાં કાર્પેટ સપ્લાય કરવા માટે ધારાસભ્ય સમક્ષ પ્રસ્તાવ મૂક્યો હતો. આ દરમિયાન ધારાસભ્યોએ તેના ખર્ચ અંગે પણ વાત ન કરી અને તેની જરૂરિયાત પર પણ વાત કરી ન હતી. ધારાસભ્યોની નજર માત્ર એક જ સવાલ પર ટકેલી હતી કે, ‘અમને કેટલું કમિશન મળશે?’

ત્રણે ધારાસભ્યએ માંગ્યા આટલા રૂપિયા

દાવા મુજબ, ભાજપ ધારાસભ્ય રેવંતરામ ડાંગાએ 40 ટકા કમિશન આપવાના બદલે 50 લાખ રૂપિયાનું કામ આપવાની વાત કહી છે. જ્યારે હિંડોનના કોંગ્રેસ ધારાસભ્ય અનિતા જાટવે 50 હજાર રૂપિયા ઍડ્વાન્સ લઈને 80 લાખ રૂપિયાનું કામ આપવા માટે ભલામણ પત્ર આપ્યો છે. જ્યારે બયાનાના અપક્ષ ધારાસભ્ય રીતુ બનાવતના પતિએ 40 લાખ રૂપિયામાં ડીલ ફાઇનલ કરી હોવાનો દાવો કરાયો છે. ડાંગા અને અનિતાએ જિલ્લા પરિષદના સીઈઓના નામે ભલામણ પત્ર પણ આપી દીધો હતો.

આ પણ વાંચો : દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ધૂમ્મસને કારણે 30 વધુ વાહનો વચ્ચે અકસ્માત, 4ના મોત

ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનમાં દરેક વિસ્તારમાં વિકાસો કામો અને જનકલ્યાણ માટે દરેક ધારાસભ્યોને ‘ધારાસભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના’ હેઠળ વર્ષે પાંચ કરોડ રૂપિયા ફંડ આપવામાં આવે છે. ત્યારે આવા ધારાસભ્યો કામને સમજ્યા કે જોયાજાણ્યા વગર કમિશન લઈને કામ આપી દેતા હોય છે.

અધિકારીઓને પણ આપવા પડે છે : ભાજપ ધારાસભ્ય રેવંતરામ ડાંગા

ભાજપ ધારાસભ્ય ડાંગાએ ડીલની વાત કરી વખતે એવું પણ કહ્યું કે, અધિકારીઓને પણ થોડું થોડું આપવું પડે છે. ડાંગાએ 10 લાખ રૂપિયા ઍડ્વાન્સ લેવાની અને 50 લાખ રૂપિયાનો ભલામણ પત્ર આપવાની ઓફર કરી કહ્યું કે, ઘણા કામોમાં તો 40 ટકા કમિશન ચાલે છે. જ્યારે સ્ટિંગ ઓપરેશન કરનારે 25થી 30 ટકાની વાત કરી તો ડાંગાએ પોતાના લાંબા રાજકીય અનુભવને હવાલો આપીને કહ્યું કે, તેઓ આખી સિસ્ટમ જાણે છે અને અધિકારીઓને રાજી રાખવા પડે છે, નહીં તો તેઓ અચડણો ઊભી કરે છે.

સ્ટિંગ ઓપરેશનથી રાજસ્થાનના રાજકારણમાં ભૂકંપ! ભાજપ, કોંગ્રેસ અને અપક્ષના ધારાસભ્યો વિરુદ્ધ તપાસ 3 - image

કોંગ્રેસ ધારાસભ્ય અનિતા જાટવે 50,000 ટોકન લઈ 40 ટકા કમિશન માટે ડીલ ફાઈનલ કરી

બીજીતરફ કોંગ્રેસ ધારાસભ્ય અનિતા જાટવે પહેલા અધિકારીઓ દ્વાાર કામ અટકાવવાની ફરિયાદ કરી હતી, ત્યારબાદ તેમણે ડીલ પર હા પાડી દીધી હતી. જયપુર સ્થિતિ તેમના નિવાસસ્થાન પર અનિતાના નજીકના પવન શર્મા ડીલ કરવા બેઠા હતા. આ દરમિયાન 40 ટકા કમિશન પર સંમતિ મળી ગઈ હતી અને રૂપિયા 50 હજાર ટોકન આપવામાં આવ્યું હતું. અનિતા જાટવે 80 લાખ રૂપિયાના કામ પર સાઇન કરી ભલામણ પત્ર આપી દીધો હતો.

સ્ટિંગ ઓપરેશનથી રાજસ્થાનના રાજકારણમાં ભૂકંપ! ભાજપ, કોંગ્રેસ અને અપક્ષના ધારાસભ્યો વિરુદ્ધ તપાસ 4 - image

અપક્ષ ધારાસભ્ય રીતુ બનાવતના પતિએ રૂ. 40 લાખની ડીલ ફાઇનલ કરી

આ ઉપરાંત અપક્ષ ઉમેદવાર રીતુ બનાવતે બજેટનો હવાલો આપીને ડીલથી દૂર રહ્યા હતા, જોકે તેમના પતિ ઋષિ બંસલે અલગ રૂમમાં જઈને સ્ટિંગ ઓપરેશન કરનાર સાથે 40 લાખ રૂપિયાની ડીલ ફાઇનલ કરી હતી. વાતચીત દરમિયાન જિલ્લા પરિષદના સીઈઓને પણ જોઈ લેવાની વાત કહેવામાં આવી હતી. જોકે બંસલે ટોકન તરીકે આપેલી 50,000 રૂપિયા પરત આપીને કહ્યું કે, કામ થયા બાદ જ રકમ લેવામાં આવશે.

સ્ટિંગ ઓપરેશનથી રાજસ્થાનના રાજકારણમાં ભૂકંપ! ભાજપ, કોંગ્રેસ અને અપક્ષના ધારાસભ્યો વિરુદ્ધ તપાસ 5 - image

મુખ્યમંત્રીએ આપ્યો કડક આદેશ

આ તમામ ધારાસભ્યોને કરતૂત કહી રહી છે કે, આવા લોકો પ્રજાની સમસ્યા દૂર કરવાના બદલે માત્ર કમિશનખોરી કરતા રહે છે. તમામ ધારાસભ્યોનો ખેલ સામે આવ્યા બાદ મુખ્યમંત્રી ભજનલાલ શર્મા (CM Bhajan Lal Sharma)એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ‘ધારાસભ્ય ભંડોળમાં ભ્રષ્ટાચારનો આરોપ લાગવો તે અત્યંત ગંભીર બાબત છે. આપણી સરકાર ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઝીરો ટોલરન્સ નીતિ પર કામ કરી રહી છે. પ્રજાના નાણાં કલ્યાણ કરાવ માટે છે, કોઈના ખિસ્સા ભરવા માટે નથી. જે પણ દોષિત હશે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. મુખ્યમંત્રીએ ચાર સભ્યોની ઉચ્ચસ્તરીય સમિતિ રચી છે અને સમિતિને સંપૂર્ણ અને નિષ્પક્ષ તપાસ કરીને 15 દિવસમાં રિપોર્ટ સોંપવા આદેશ આપ્યો છે. જ્યાં સુધી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી કોઈપણ નાણાંકીય લેવડ-દેવડ કરવામાં નહીં આવે.


Original Title: સ્ટિંગ ઓપરેશનથી રાજસ્થાનના રાજકારણમાં ભૂકંપ! ભાજપ, કોંગ્રેસ અને અપક્ષના ધારાસભ્યો વિરુદ્ધ તપાસ | Rajasthan Sting Operation MLA Fund Scam Rewant Ram Danga Anita Jatav Ritu Banawat CM
Source: www.gujaratsamachar.com
Published: 2025-12-15 17:17:00
Tags:

This article was automatically curated from public sources. For full details, visit the original source link above.