લેફ્ટના છેલ્લા કિલ્લામાં પડવા લાગી તિરાડ? સબરીમાલા મંદિરમાં સોનાની ચોરીનો કેસ ભારે પડ્યો! | Sabarimala Gold Sink LDF Local Polls Signal Collapse of Left's Last Bastion in 2026

લેફ્ટના છેલ્લા કિલ્લામાં પડવા લાગી તિરાડ? સબરીમાલા મંદિરમાં સોનાની ચોરીનો કેસ ભારે પડ્યો! | Sabarimala Gold Sink LDF Local Polls Signal Collapse of Left’s Last Bastion in 2026

Kerala Local Body Election Result : કેરળમાં તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયત, બ્લોક અને જિલ્લા પંચાયતોના ચૂંટણી પરિણામોમાં ડાબેરી લોકતાંત્રિક મોરચા (LDF)ને મોટો આંચકો લાગ્યો છે. આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસની આગેવાનીવાળા યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF)એ શાનદાર પ્રદર્શન કર્યું છે, જ્યારે ભાજપે પણ અનેક સ્થળોએ મજબૂત હાજરી નોંધાવી છે.

સબરીમાલા ગોલ્ડ સ્કેમનો બદલો : પદ્મકુમારના વોર્ડમાં BJPની જીત

આ ચૂંટણીનું સૌથી મોટું સાંકેતિક પરિણામ પઠાનમથિટ્ટા જિલ્લાના એક વોર્ડમાંથી આવ્યું છે. અહીં CPI(M)ના પૂર્વ મંત્રી અને સબરીમાલા ગોલ્ડ સ્કેમના મુખ્ય આરોપી એ.પદ્મકુમારનું ઘર છે. આ વોર્ડમાં ભાજપના ઉમેદવારે CPI(M)ને હરાવીને જીત મેળવી છે. પદ્મકુમાર હાલમાં જેલમાં છે અને તેમના પોતાના વોર્ડમાં થયેલી આ હાર LDF માટે શરમજનક ગણાય છે. વિશ્લેષકો માને છે કે આ જીત ફક્ત એક બેઠક પરની જીત નથી, પરંતુ સબરીમાલા સોનાની ચોરીના કૌભાંડનો બદલો છે, જેના કારણે LDF સરકારની છબી ખરાબ થઈ હતી.

ચૂંટણી પરિણામોમાં LDFને મોટું નુકસાન

ગ્રામ પંચાયતોની 940 બેઠકોમાંથી UDFનો 505 પર અને LDFનો 340 બેઠકો પર વિજય થયો છે. જ્યારે બ્લોક પંચાયતોની 152 સીટોમાંથી UDFએ 79 અને LDFએ 63 બેઠક જીતી છે. આ ઉપરાંત 13 જિલ્લા પંચાયતો પરિણામો સામે આવ્યા છે, જેમાં UDF અને LDF બંનેએ 7-7 બેઠકો જીતી છે. 2020ની સરખામણીએ LDFએ ૬ જિલ્લા પંચાયતો ગુમાવી છે. રાજ્યની કુલ 87 નગરપાલિકાઓમાંથી UDFનો 54માં અને LDFનો 28 નગરપાલિકામાં વિજય થયો છે. આ ઉપરાંત નગર નિગમોની છ બેઠકોમાંથી UDFએ ચાર, LDFએ એક અને રાજધાની તિરુવનંતપુરમમાં ભાજપનો વિજય થયો છે.

લેફ્ટના છેલ્લા કિલ્લામાં પડવા લાગી તિરાડ? સબરીમાલા મંદિરમાં સોનાની ચોરીનો કેસ ભારે પડ્યો! 3 - image

ભાજપનો પ્રભાવ વધ્યો, ડાબેરીઓની મુશ્કેલી વધી

ચૂંટણીઓમાં LDFના નબળા પ્રદર્શનનું મુખ્ય કારણ સબરીમાલા મંદિર સાથે જોડાયેલો 300 કિલોથી વધુ સોનાની ચોરીનો મોટો ભ્રષ્ટાચાર છે. આ કૌભાંડમાં પિનરાઈ વિજયન સરકારના પૂર્વ દેવસ્વમ મંત્રી એ.પદ્મકુમાર મુખ્ય આરોપી તરીકે જેલમાં છે. આ કૌભાંડના કારણે હિંદુ શ્રદ્ધાળુઓ અને મતદારો નિરાશ થયા છે, જેના કારણે CPI(M)ની છબીને મોટો ધક્કો લાગ્યો છે. પઠાનમથિટ્ટા અને ત્રિશૂર જેવા સબરીમાલા નજીકના વિસ્તારોમાં ભાજપે અનેક વોર્ડ જીતીને પોતાનો પ્રભાવ વધાર્યો છે.

લેફ્ટના છેલ્લા કિલ્લામાં પડવા લાગી તિરાડ? સબરીમાલા મંદિરમાં સોનાની ચોરીનો કેસ ભારે પડ્યો! 4 - image

પદ્મકુમારના કારણે LDFની હાર થઈ

મુખ્યમંત્રી પિનરાઈ વિજયને શનિવારે સ્વીકાર્યું હતું કે, LDFએ અપેક્ષા મુજબ પ્રદર્શન કર્યું નથી. તેમણે પરિણામોની વિસ્તૃત તપાસ કરાવવા અને આવશ્યક સુધારાઓ લાગુ કરવાની વાત કરી છે. જોકે, પાર્ટીના આંતરિક સૂત્રો માને છે કે પદ્મકુમાર જેવા નેતાઓની ધરપકડથી થયેલું નુકસાન આ હારનું મુખ્ય કારણ છે.

આ પણ વાંચો : કોંગ્રેસની મહારેલી | રાહુલ ગાંધીએ કહ્યું- PM મોદીની ચોરી પકડાઈ, પ્રિયંકા ગાંધીનો આરોપ- 65 લાખ વોટ કાપ્યા 

વર્તમાન ચૂંટણી આગામી વિધાનસભા ચૂંટણીનું ટ્રેલર !

આ સ્થાનિક ચૂંટણીઓને આગામી વર્ષે યોજાનારી 2026ની વિધાનસભા ચૂંટણીઓ માટે સેમિફાઇનલ તરીકે જોવામાં આવી રહી હતી. પશ્ચિમ બંગાળ અને ત્રિપુરામાં સત્તા ગુમાવ્યા પછી કેરળ ડાબેરીઓનો છેલ્લો મજબૂત ગઢ છે. આ પરિણામો LDF માટે એક મોટી ચેતવણી છે, જે સંકેત આપે છે કે 2026માં ડાબેરીઓનો આ અંતિમ કિલ્લો પણ ધ્વસ્ત થઈ શકે છે. સબરીમાલાના સોનાના કૌભાંડે LDFને ભારે નુકસાન પહોંચાડ્યું હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

આ પણ વાંચો : રૂ.1000 કરોડનું સાયબર કૌભાંડ: લોન અને નોકરીની લાલચ આપી લોકોને ઠગતી હતી 58 કંપનીઓ 


Original Title: લેફ્ટના છેલ્લા કિલ્લામાં પડવા લાગી તિરાડ? સબરીમાલા મંદિરમાં સોનાની ચોરીનો કેસ ભારે પડ્યો! | Sabarimala Gold Sink LDF Local Polls Signal Collapse of Left’s Last Bastion in 2026
Source: www.gujaratsamachar.com
Published: 2025-12-14 18:13:00
Tags:

This article was automatically curated from public sources. For full details, visit the original source link above.