4 રાજ્યોમાં 1 કરોડ મતદારોના નામ કપાયા : ચૂંટણી પંચે SIR બાદ ડ્રાફ્ટ મતદાર યાદી કરી જાહેર | Election Commission SIR Voter List Draft West Bengal Rajasthan Goa Puducherry

4 રાજ્યોમાં 1 કરોડ મતદારોના નામ કપાયા : ચૂંટણી પંચે SIR બાદ ડ્રાફ્ટ મતદાર યાદી કરી જાહેર | Election Commission SIR Voter List Draft West Bengal Rajasthan Goa Puducherry

ECI Releases Draft Voter Rolls for Five States : ચૂંટણી પંચ દ્વારા પશ્ચિમ બંગાળ, ગોવા, રાજસ્થાન અને લક્ષદ્વીપમાં સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા બાદ ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. આ પ્રક્રિયામાં સૌથી વધુ 58 લાખથી વધુ મતદારોના નામ પશ્ચિમ બંગાળમાં કમી કરવામાં આવ્યા છે. જે મતદારોના નામ નવા ડ્રાફ્ટ રોલમાં સામેલ નથી, તેમાંથી મોટાભાગના મૃત્યુ પામ્યા છે અથવા સ્થળાંતર કરી ચૂક્યા છે. જોકે, ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે કે, જે લોકોના નામ યાદીમાં નથી તેમને તેમની પાત્રતા સાબિત કરવાની તક આપવામાં આવશે.

પશ્ચિમ બંગાળમાં 58 લાખ નામ કપાયા

પશ્ચિમ બંગાળના સત્તાવાર આંકડાઓ અનુસાર, 4 નવેમ્બરથી 11 ડિસેમ્બર સુધીની SIR પ્રક્રિયા બાદ ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી 58,20,898 નામ દૂર કરવામાં આવ્યા છે. પરિણામે, રાજ્યમાં મતદારોની સંખ્યા 7 કરોડ 66 લાખ 37 હજાર 529થી ઘટીને 7 કરોડ 08 લાખ 16 હજાર 630 થઈ ગઈ છે.

નામ કપાયા, ગભરાવાની જરૂર નથી, તક મળશે

પશ્ચિમ બંગાળના વિશેષ મતદાર યાદી નિરીક્ષક સુબ્રત ગુપ્તાએ જનતાની આશંકાઓ દૂર કરતાં જણાવ્યું કે, જે મતદારોના નામ ડ્રાફ્ટ યાદીમાં નથી તેમને ગભરાવાની જરૂર નથી. તેમણે ઉમેર્યું કે, લગભગ 30 લાખ મતદારોની વિગતો 2002ની મતદાર યાદી સાથે મેળ ખાતી નથી, તેમને સુનાવણી માટે બોલાવવામાં આવશે જ્યાં દસ્તાવેજો રજૂ કરીને પાત્રતા સાબિત કરવાની તક મળશે.

રાજસ્થાનમાં 45 લાખ નામ દૂર કરાયા

રાજસ્થાનમાં SIR પ્રક્રિયા બાદ 5 કરોડ 46 લાખ 56 હજાર 215 મતદારોમાંથી લગભગ 42 લાખ મતદારોના નામ ડ્રાફ્ટ યાદીમાંથી દૂર કરાયા છે. કુલ મતદારોમાંથી 5 કરોડ 04 લાખ 71 હજાર 396 મતદારોએ જ ફોર્મ જમા કરાવ્યું હતું. ચૂંટણી પંચના જણાવ્યા મુજબ, 8.75 લાખ મતદારો મૃત્યુ પામેલા અને 29.6 લાખ મતદારો સ્થળાંતરિત અથવા ગેરહાજર જણાયા છે. આશરે 11 લાખ મતદારોને દસ્તાવેજો જમા કરાવવા માટે નોટિસ પણ ઈશ્યૂ કરવામાં આવશે. સૌથી વધુ મતદારોના નામ જયપુર જિલ્લામાંથી દૂર કરાયા છે.

આ પણ વાંચો : ગોવા અગ્નિકાંડમાં પોલીસની મોટી કાર્યવાહી

ગોવાની ડ્રાફ્ટ યાદીમાં એક લાખના નામ નહીં

ગોવાની વાત કરીએ તો, કુલ 11 લાખ 85 હજાર 34 મતદારોમાંથી 10 લાખ 84 હજાર 992 લોકોએ ફોર્મ સબમિટ કર્યું હતું. રાજ્યમાં 1,00,042 લોકોના નામ ડ્રાફ્ટ યાદીમાં સામેલ નથી. ડ્રાફ્ટ રોલ જાહેર થયા બાદ પાત્ર મતદારો 16 ડિસેમ્બર 2025 થી 15 જાન્યુઆરી, 2026 સુધી ફરીથી અરજી કરી શકે છે. 

લક્ષદ્વીપમાં 1429 નામ યાદીમાં સામેલ નહીં

લક્ષદ્વીપમાં SIR પ્રક્રિયા બાદ 57 હજાર 813માંથી 56 હજાર 384 લોકોએ ફોર્મ સબમિટ કર્યું છે, એટલે કે 1,429 લોકોના નામ નવી ડ્રાફ્ટ લિસ્ટમાં સામેલ નથી. લક્ષદ્વીપના પાત્ર મતદારો 15 જાન્યુઆરી, 2026 સુધી ફરીથી અરજી કરી શકે છે.

આ પણ વાંચો : દિલ્હીમાં પ્રદૂષણ નાથવા નવા નિયમો જાહેર


Original Title: 4 રાજ્યોમાં 1 કરોડ મતદારોના નામ કપાયા : ચૂંટણી પંચે SIR બાદ ડ્રાફ્ટ મતદાર યાદી કરી જાહેર | Election Commission SIR Voter List Draft West Bengal Rajasthan Goa Puducherry
Source: www.gujaratsamachar.com
Published: 2025-12-16 21:12:00
Tags:

This article was automatically curated from public sources. For full details, visit the original source link above.