હે રામ! પત્નીના મોતથી વ્યથિત પિતાએ 5 બાળકો સહિત ગળે ફાંસો ખાધો, બેના જ જીવ બચ્યાં | muzaffarpur father children hanging tragic incident bihar

હે રામ! પત્નીના મોતથી વ્યથિત પિતાએ 5 બાળકો સહિત ગળે ફાંસો ખાધો, બેના જ જીવ બચ્યાં | muzaffarpur father children hanging tragic incident bihar

પ્રતિકાત્મક તસવીર

Bihar News : બિહારના મુઝફ્ફરપુર જિલ્લાના સકરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં એક પિતાએ માનસિક તણાવમાં તેના પાંચ બાળકો સાથે ફાંસી લગાવી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. આ ઘટનામાં પિતા સહિત ત્રણ દીકરીઓના કરૂણ મોત થયા છે, જ્યારે બે દીકરાઓ ચમત્કારિક રીતે બચી ગયા છે.

માનસિક તણાવમાં પિતાનું પગલું

મૃતક પિતાની ઓળખ અમરનાથ રામ (40) તરીકે થઈ છે અને મૃતક દીકરીઓમાં રાધા કુમારી (11), રાધિકા (9) અને શિવાની (7) નો સમાવેશ થાય છે. પરિજનોના જણાવ્યા અનુસાર, આ વર્ષે જાન્યુઆરીમાં અમરનાથ રામની પત્નીનું અવસાન થયું હતું. પત્નીના મૃત્યુ બાદથી તે માનસિક તણાવમાં હતા અને એકલા હાથે પાંચ બાળકોનું પાલનપોષણ કરી રહ્યા હતા. ગામલોકોના કહેવા મુજબ, પત્નીના અવસાન પછી અમરનાથ કામ પર નિયમિત જતો ન હતો અને જે થોડું ઘણું રાશન મળતું તેનાથી પરિવારનો માંડ ગુજારો ચાલતો હતો. મોટી દીકરી જ ઘરનું કામ અને રસોઈની જવાબદારી સંભાળતી હતી.

બે પુત્રો ચમત્કારિક રીતે બચ્યા

પરિજનો અને ગ્રામજનોના જણાવ્યા અનુસાર, રવિવારની રાત્રે આખા પરિવારે સાથે મળીને ભોજન લીધું હતું. સોમવારની વહેલી સવારે અમરનાથ રામે તેમની પત્નીની સાડીમાંથી ફંદો બનાવીને તેમની ત્રણેય દીકરીઓ અને બે પુત્રોના ગળામાં બાંધ્યો. ત્યારબાદ સાડીને છત સાથે બાંધીને બધા બાળકોને ટ્રંક પરથી કૂદવાનું કહ્યું.

ત્રણેય દીકરીઓ કૂદી પડી અને… 

પિતાના કહેવા પર ત્રણેય દીકરીઓ કૂદી પડી, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત થયું. જોકે, છ વર્ષના શિવમ કુમારે ગળું દબાતાં પોતાની સમજદારી વાપરીને ફંદો ઢીલો કરી દીધો અને પોતાના નાના ભાઈ ચંદન (4) ના ગળામાંથી પણ ફંદો ખોલી નાખ્યો. બંને બાળકો કોઈક રીતે ઘરમાંથી બહાર નીકળીને બૂમરાણ મચાવી, ત્યારબાદ ગ્રામજનો ઘટનાસ્થળે પહોંચ્યા.

પોલીસ કાફલો ઘટનાસ્થળે 

ઘટનાની જાણ થતાં જ સકરા પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી. પોલીસે મૃતદેહોનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. એક જ પરિવારમાં એકસાથે ચાર લોકોના મૃત્યુથી આખા ગામમાં શોકનો માહોલ છવાયો છે. ગામલોકોએ કહ્યું કે બંને પુત્રોનું નસીબ સારું હતું અને ભગવાનની કૃપાથી જ તેમનો જીવ બચી ગયો. હાલ પોલીસ સમગ્ર મામલે ગંભીરતાથી તપાસ કરી રહી છે.


Original Title: હે રામ! પત્નીના મોતથી વ્યથિત પિતાએ 5 બાળકો સહિત ગળે ફાંસો ખાધો, બેના જ જીવ બચ્યાં | muzaffarpur father children hanging tragic incident bihar
Source: www.gujaratsamachar.com
Published: 2025-12-15 10:01:00
Tags:

This article was automatically curated from public sources. For full details, visit the original source link above.