મોદી સરકારને નામ બદલવાનો ‘વળગાડ’, પૈસાનો વ્યય: મનરેગા મુદ્દે પ્રિયંકા ગાંધીના પ્રહાર | parliament session priyanka gandhi statement vb g ram g bill mgnrega
Priyanka Gandhi: સંસદમાં મનરેગા(MGNREGA) કાયદાને નાબૂદ કરી તેની જગ્યાએ નવું બિલ લાવવા મુદ્દે ભારે હોબાળો મચ્યો છે. કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ‘વિકસિત ભારત – ગેરંટી ફોર રોજગાર અને આજીવિકા મિશન(ગ્રામીણ) – VB-GRAM G’ બિલ, 2025નો સખત વિરોધ કર્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે આ નવું બિલ રોજગારના કાયદાકીય અધિકારને નબળો પાડે છે અને સત્તાનું કેન્દ્રીકરણ કરે છે.
યોજનાઓના નામ બદલવા પર પ્રિયંકા ગાંધીએ કરી ટીકા
પ્રિયંકા ગાંધીએ સરકારની ટીકા કરતા કહ્યું કે, ‘સરકારને દરેક યોજનાનું નામ બદલવાની જે સનક છે, તે સમજાતી નથી. જ્યારે પણ નામ બદલવામાં આવે છે, ત્યારે સરકારી તિજોરી પર મોટો ખર્ચ થાય છે. કોઈ પણ બિલ કોઈની અંગત મહત્વકાંક્ષા કે પૂર્વગ્રહના આધારે રજૂ ન થવું જોઈએ.’ તેમણે આ બિલને પાછું ખેંચીને સ્થાયી સમિતિ પાસે મોકલવાની માંગ કરી છે.
મનરેગાના મૂળ અધિકારો પર જોખમ
કોંગ્રેસ સાંસદે નવા બિલની ખામીઓ ગણાવતા ચિંતા વ્યક્ત કરી હતી કે, ‘આ કાયદાથી રોજગારનો કાયદાકીય અધિકાર નબળો પડશે અને મનરેગામાં અત્યાર સુધી જે કામની પાકી ગેરંટી મળતી હતી, તે હવે જોખમમાં મુકાશે.’ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘આ બિલ દ્વારા કેન્દ્ર સરકાર પોતાની જવાબદારીઓ ઓછી કરી રહી છે અને સત્તાનું નિયંત્રણ પોતાના હસ્તક વધારી રહી છે. સૌથી ગંભીર બાબત એ છે કે, અત્યાર સુધી મનરેગામાં કેન્દ્ર સરકાર 90% ગ્રાન્ટ આપતી હતી, પરંતુ નવા બિલની જોગવાઈ મુજબ હવે રાજ્યોએ 60% હિસ્સો ભોગવવો પડશે, જેના કારણે રાજ્યોની અર્થવ્યવસ્થા પર અસહ્ય બોજ વધશે.’
પંચાયતી રાજ અને બંધારણ વિરોધી વલણ
પ્રિયંકા ગાંધીએ ભારપૂર્વક જણાવ્યું કે, ‘આ બિલ બંધારણના 73માં સુધારા(પંચાયતી રાજ)ની વિરુદ્ધ છે. મનરેગામાં ગ્રામસભાઓને પોતાની જરૂરિયાત મુજબ કામ નક્કી કરવાનો અધિકાર હતો, જે હવે છીનવાઈ રહ્યો છે. બંધારણની ભાવના છે કે સત્તા દરેક વ્યક્તિના હાથમાં હોવી જોઈએ, જે પંચાયતી રાજનો મૂળ મંત્ર છે, આ બિલ તેની વિરુદ્ધ છે.’
આ પણ વાંચો: ભાજપ MLAના પુત્રના લગ્નમાં રૂ.70 લાખના ફટાકડાં! મંદિરના ગર્ભગૃહમાં વરમાળા પહેરાવતા વિવાદ
સૌથી ગરીબ મજૂરો માટે ક્રાંતિકારી હતું મનરેગા
છેલ્લા 20 વર્ષના ઈતિહાસને યાદ કરતા તેમણે કહ્યું કે મનરેગા ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવામાં સફળ રહ્યું છે. જ્યારે આપણે ક્ષેત્રમાં જઈએ છીએ ત્યારે મનરેગા મજૂર દૂરથી ઓળખાઈ જાય છે. તેના ચહેરા પર કરચલીઓ અને હાથ પથ્થર જેવા કઠણ હોય છે કારણ કે તે સખત મજૂરી કરે છે. આ કાયદો માંગ આધારિત હતો, જે ગરીબોને 100 દિવસના રોજગારની ખાતરી આપતો હતો. વિપક્ષના આ વિરોધ વચ્ચે શું સરકાર આ બિલમાં કોઈ ફેરફાર કરશે કે તેને બહુમતીના જોરે પસાર કરશે, તે જોવું મહત્ત્વનું રહેશે.
Source: www.gujaratsamachar.com
Published: 2025-12-16 14:02:00
Tags:
This article was automatically curated from public sources. For full details, visit the original source link above.
